35 C
Ahmedabad
Monday, June 1, 2026

એશિયન ગેમ્સ ટ્રાયલ્સ: વિનેશ ફોગાટને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત, કોર્ટે કહ્યું- “તમારા નામે ઘણી સિદ્ધિઓ, પણ દેશ પહેલા”


ભારતીય ફ્રીસ્ટાઇલ રેસલર વિનેશ ફોગાટને 30 અને 31 મેના રોજ યોજાનારી એશિયન ગેમ્સ માટેની પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની પરવાનગી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી હાઇકોર્ટના આદેશને હાલ પૂરતો માન્ય રાખ્યો છે અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ની અરજી પર નોટિસ જારી કરી છે. આ મામલે હવે વધુ સુનાવણી ૧ જૂનના રોજ થશે. જોકે, સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે વિનેશ ફોગાટની અરજી અને નિયમોના ઉલ્લંઘન અંગે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે.

“તમે સામાન્ય ખેલાડી નથી, પરંતુ નિયમો દરેક માટે સરખા”

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસની બેંચે વિનેશ ફોગાટને ટ્રાયલમાં બેસવાની મંજૂરી આપતા કહ્યું:

“કારણ કે ટ્રાયલ આવતીકાલે જ છે, તેથી અમે તમને રોકવા માંગતા નથી. તમે કોઈ સામાન્ય ખેલાડી નથી, તમે દેશ માટે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ દેશ અને રમતગમતના નિયમો હંમેશા પહેલા આવે છે. હાઈકોર્ટના આદેશ અંગે અમારી પાસે ઘણા પ્રશ્નો છે, જેના જવાબ તમારે આપવા પડશે.” – સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વિનેશ ફોગાટની પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલો

સુનાવણી દરમિયાન જ્યારે વિનેશ ફોગાટના વકીલે દલીલ કરી કે, “એક વર્ષ પહેલા માતા બનેલી મહિલા ખેલાડી માત્ર ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી માંગી રહી છે,” ત્યારે સુપ્રીમ કોર્ટે તેમની અગાઉની બેદરકારીઓ તરફ આંગળી ચીંધી હતી:

  • ડોપિંગ ટેસ્ટ અને વેરઅબાઉટ્સનો અભાવ: કોર્ટે નોંધ્યું કે, “૧૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તમે બ્રેક લીધો અને ત્યારબાદ માતા બન્યા. પરંતુ આ દરમિયાન તમે ડોપિંગ ટેસ્ટમાં ભાગ લીધો ન હતો અને તમારા લોકેશન (Whereabouts) અંગે પણ ફેડરેશનને કોઈ માહિતી આપી ન હતી.”

  • વિધાનસભાની વ્યસ્તતાનો ખુલાસો અમાન્ય: ન્યાયાધીશે જણાવ્યું કે તમે પાછળથી એવો ખુલાસો કર્યો હતો કે તમે વિધાનસભાની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, પરંતુ આ ખુલાસો સ્વીકારવા યોગ્ય નથી.

  • નિયત પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળતા: એશિયન ગેમ્સ માટેની સત્તાવાર પસંદગી પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થઈ ચૂકી હતી, જેમાં નિયમ મુજબ ચાર સ્પર્ધાઓમાં ભાગ લેવો જરૂરી હતો, પરંતુ તમે તે પ્રક્રિયા પૂર્ણ કરી નથી અને છેક મે મહિનામાં કોર્ટમાં અરજી કરી છે.

“હાઈકોર્ટનો નિર્ણય વિચિત્ર હતો”

સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટના વલણ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:

“આપણે યાદ રાખવું જોઈએ કે ભારતીય રમતો વૈશ્વિક રમત જગતના નિયમો સાથે જોડાયેલી છે. રમતગમત સંગઠનના સત્તાવાર નિયમોને બાકાત રાખીને ખેલાડીને મંજૂરી આપવાનો હાઇકોર્ટનો નિર્ણય વિચિત્ર હતો. નિયમો લાંબા સમયથી અમલમાં છે અને તે દરેક ખેલાડીને સમાન રીતે લાગુ પડે છે.”

હવે આ મામલે વિનેશ ફોગાટનું ભવિષ્ય અને હાઈકોર્ટના આદેશની કાયદેસરતા પર આગામી ૧ જૂનના રોજ સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય લેશે, પરંતુ હાલ પૂરતી તેમને ટ્રાયલ્સમાં ઉતરવાની છૂટ મળી ગઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -