77 કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ ઝડપાયું: ગાંધીનગર સાયબર સેલે ગોવા-વડોદરાથી મુખ્ય સૂત્રધાર સહિત 9ને દબોચ્યા

રાજ્યની સાયબર ક્રાઈમ સેલે ટેકનોલોજીના ઓઠા હેઠળ ચાલતા એક આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે…ગાંધીનગર સાયબર સેલની ટીમે ગોવા,પાલનપુર અને વડોદરામાં મેગા ઓપરેશન હાથ ધરીને કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે…આ ગેંગે સમગ્ર દેશમાં અંદાજે 375 જેટલા ગુના આચરીને નિર્દોષ નાગરિકો સાથે 77 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ગોવામાં બેસીને જાળ બિછાવતો હતો માસ્ટરમાઇન્ડ
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જીતુ ઠક્કર ગોવામાં રહીને આખી ગેંગનું સંચાલન કરતો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આ ટોળકી ભોગ બનનારના નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (ભાડાના અથવા ખોટી રીતે મેળવેલા બેંક ખાતાઓ)નો ઉપયોગ કરતી હતી…પોલીસ પકડથી બચવા માટે આ નાણાંને તુરંત ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી દેવામાં આવતા હતા.
થ્રી-લેયર મની લોન્ડરિંગ અને મુદ્દામાલ જપ્ત
આરોપીઓની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ ડમી પેઢીઓ બનાવી તેના નામે બેંક ખાતા ખોલાવી નાણાંની હેરફેર માટે ત્રણ અલગ-અલગ ‘લેયર’નો ઉપયોગ કરતા હતા, જેથી તપાસમાં મૂંઝવણ ઉભી થાય. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ અને અનેક સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તપાસનો ધમધમાટ
હાલમાં સાયબર સેલ આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. દેશભરમાં નોંધાયેલા 375 ગુનાઓની વિગતો મેળવી આરોપીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…પોલીસે સામાન્ય નાગરિકોને અજાણ્યા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતા પહેલા સાવચેત રહેવા અપીલ કરી હતી.
- Advertisement -
- Advertisement -