વિમાન ઈંધણના ભાવમાં ભડકો: ઇન્ડિગોનો ₹10,000 સુધીનો ‘ફ્યુઅલ ચાર્જ’, હવાઈ મુસાફરી થશે મોંઘી

વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને પશ્ચિમ એશિયાના તણાવની સીધી અસર હવે હવાઈ મુસાફરો પર પડવા જઈ રહી છે..દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 2 એપ્રિલથી તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર સુધારેલો ‘ફ્યુઅલ ચાર્જ’ વસૂલવાની જાહેરાત કરી છે.આ નિર્ણયને પગલે વિવિધ રૂટ્સ પર હવાઈ ભાડામાં નોંધપાત્ર વધારો થવો નિશ્ચિત છે.
નવા દરો અને અમલીકરણ
ઇન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નવા દરો 2 એપ્રિલના રોજ રાત્રે 00:01 વાગ્યાથી અમલમાં આવશે..એરલાઇને અંતરના આધારે ચાર્જનું માળખું નીચે મુજબ નક્કી કર્યું છે:
-
સ્થાનિક ફ્લાઇટ્સ: મુસાફરીના અંતર મુજબ ₹275 થી લઈને ₹950 સુધીનો વધારાનો ચાર્જ લાગશે.
-
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ: લાંબા અંતરના રૂટ્સ પર આ ચાર્જ ₹900 થી શરૂ થઈને મહત્તમ ₹10,000 સુધી હોઈ શકે છે.
નોંધનીય છે કે એરલાઇન અગાઉ ૧૪ માર્ચથી જ ₹425 થી ₹2,300 સુધીનો ફ્યુઅલ ચાર્જ વસૂલી રહી હતી. જેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે.
કેમ વધ્યા ભાવ?
આંતરરાષ્ટ્રીય બજારમાં એટીએફ (ATF) ના ભાવમાં થયેલો તોતિંગ વધારો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે.એક મહિનામાં આંતરરાષ્ટ્રીય કામગીરી માટે ઈંધણના ભાવ બમણાથી વધુ વધી ગયા છે..આ ઉપરાંત, પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે એરસ્પેસ પ્રતિબંધો લદાયા હોવાથી એરલાઇન્સે લાંબા રૂટ અપનાવવા પડી રહ્યા છે. જેના પરિણામે ઈંધણનો વપરાશ અને ઓપરેશનલ ખર્ચ બંનેમાં વધારો થયો છે.
સરકારનો હસ્તક્ષેપ અને ઉદ્યોગની રાહત
વધતા ખર્ચ વચ્ચે સરકારે એવિએશન ઉદ્યોગને આંશિક રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું કે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્થાનિક એરલાઇન્સ માટે ઈંધણના ભાવમાં માત્ર 25 ટકા (અંદાજે ₹15 પ્રતિ લિટર) નો તબક્કાવાર વધારો મંજૂર કર્યો છે.
“સરકારનો આ નિર્ણય એવિએશન સેક્ટર માટે મોટી રાહત સમાન છે.આ સમયસરના હસ્તક્ષેપથી એરલાઇન્સને વર્તમાન વૈશ્વિક કટોકટીમાં ટકી રહેવામાં અને ખર્ચને સંતુલિત રાખવામાં મદદ મળશે.”
— અજય સિંહ, ચેરમેન અને એમડી, સ્પાઇસજેટ
આમ, ભલે સરકારે આંશિક વધારો કર્યો હોય, પરંતુ એરલાઇન્સ પર વધી રહેલા આર્થિક બોજને કારણે સામાન્ય મુસાફરોએ હવે વિમાન ટિકિટ માટે ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.
- Advertisement -
- Advertisement -