બંગાળમાં અમિત શાહનો હુંકાર: “મમતા જી, જેટલું રડવું હોય એટલું રડી લો, એક-એક ઘૂસણખોરને દેશ બહાર કરીશું”
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026નો શંખનાદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. કોલકાતામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં શાહે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 15 વર્ષના શાસનને ‘અરાજકતાનો કાળો અધ્યાય’ ગણાવતા જનતાની ચાર્જશીટ રજૂ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 6 મે ના રોજ બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારનો કાયમી અંત આવશે.
ઘૂસણખોરી મુદ્દે સીધો પડકાર
અમિત શાહે ઘૂસણખોરીના ગંભીર મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી ચેતવણી આપતા કહ્યું કે, “હું મમતા જીને કહેવા માંગુ છું કે, તમારે જેટલું રડવું હોય એટલું રડી લો… અમે વીણી-વીણીને એક-એક ઘૂસણખોરને માત્ર મતદાર યાદીમાંથી જ નહીં, પણ ભારતની સરહદની બહાર કરીશું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે:
-
આસામ મોડલ: આસામમાં ભાજપ સરકાર આવ્યા બાદ ઘૂસણખોરી જડમૂળથી ખતમ થઈ છે.
-
સીમા સુરક્ષા: હવે માત્ર બંગાળ જ એવો રસ્તો છે જ્યાંથી ઘૂસણખોરો દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરી રહ્યા છે.
-
મોટું વચન: ભાજપ સત્તા પર આવ્યાના માત્ર 45 દિવસમાં સીમા પર ફેન્સિંગ (વાડ) માટે જમીન ફાળવવામાં આવશે અને બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવાશે.
જનતા સામે બે વિકલ્પો: ‘ભય’ કે ‘ભરોસો’?
શાહે આ ચૂંટણીને જનતા માટે ‘મુક્તિનો સંગ્રામ’ ગણાવતા બે સ્પષ્ટ પાસાં રજૂ કર્યા હતા:
-
ભયમાંથી મુક્તિ: અસામાજિક તત્વોનો ફાળ, મિલકત લૂંટાવાનો ડર અને મહિલાઓની અસુરક્ષામાંથી આઝાદી.
-
ભરોસાની ગેરંટી: મફત સારવાર, પાકું મકાન, મફત વીજળી અને શાંતિપૂર્ણ સન્માનજનક જીવન.
બંગાળની આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “સોનાર બાંગ્લાનું સપનું બતાવીને TMCએ બંગાળને ભ્રષ્ટાચારની પ્રયોગશાળા બનાવી દીધી છે. આજે અહીં ઉદ્યોગોના અભાવે ફેક્ટરીઓ ‘કબ્રસ્તાન’ બની ગઈ છે અને ચારેબાજુ માત્ર સિન્ડિકેટ રાજ ચાલે છે.”
યુવાનો માટે ‘માસ્ટરસ્ટ્રોક’ જેવી જાહેરાત
શિક્ષક ભરતી કૌભાંડનો ઉલ્લેખ કરી શાહે બંગાળના યુવાનો માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું કે જે યુવાનોની વયમર્યાદા ભરતી કૌભાંડોને કારણે વીતી ગઈ છે, તેમને ભાજપ સરકાર 5 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ (Age Relaxation) આપશે. આ સાથે જ SSC ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી પ્રત્યેક લાયક ઉમેદવારને ફરીથી તક આપવામાં આવશે.
- Advertisement -
- Advertisement -