રાજ્યસભામાં બુધવારે ટ્રાન્સજેન્ડર બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભારે ડ્રામા જોવા મળ્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ગૃહમાં અન્ય સભ્યોના વર્તન અને સ્પીકરના વલણથી એટલા નારાજ થયા કે તેમણે આકરા શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. તીખી તકરાર દરમિયાન તેમણે ડેપ્યુટી ચેરમેન પેનલના દિનેશ શર્માને રોકડું પરખાવતા કહ્યું કે, “જેટલો સમય આપવો હોય એટલો આપો અથવા મને ફાંસીએ ચઢાવી દો.”
વિવાદનું મુખ્ય કારણ
આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે જયા બચ્ચન પોતાનું વક્તવ્ય રજૂ કરી રહ્યા હતા. તેમણે રામનવમીની શુભેચ્છા પાઠવીને ભાષણની શરૂઆત કરી, પરંતુ તે જ સમયે સત્તા પક્ષના કેટલાક સાંસદો અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા. આ ઘોંઘાટને કારણે ખલેલ પડતા જયા બચ્ચન અટકી ગયા અને સ્પીકર સામે નારાજગીભરી નજરે જોવા લાગ્યા.
ગૃહમાં સર્જાયેલી તીખી નોકઝોક
જ્યારે સ્પીકરે તેમને સંબોધન ચાલુ રાખવા સૂચના આપી, ત્યારે જયા બચ્ચનનો પિત્તો ગયો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું:
“તમે નબળા લોકોને ફાંસી પર ચઢાવી જ રહ્યા છો. જો સભ્યો ગૃહની મર્યાદા નથી જાળવી રહ્યા અને તમારી વાત નથી સાંભળતા, તો તમે તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતા?”

