IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ: ₹15,000 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ! જાણો કોણ છે નવા માલિક ‘કાલ સોમાની’
IPL 2026ની સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ક્રિકેટ અને બિઝનેસ જગતમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. આઈપીએલની પ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) હવે નવા માલિકોના હાથમાં સોંપાઈ ગઈ છે. અમેરિકાના એક દિગ્ગજ બિઝનેસમેને આ ફ્રેન્ચાઈઝીને રેકોર્ડબ્રેક કિંમતે ખરીદી હોવાના અહેવાલે રમત જગતમાં સનસનાટી મચાવી દીધી છે.
₹15,300 કરોડમાં 100% હિસ્સો વેચાયો
રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાન રોયલ્સના વર્તમાન માલિક મનોજ બદલેએ ટીમના તમામ શેર વેચવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. યુએસ સ્થિત બિઝનેસમેન અને કન્સોર્ટિયમ કંપનીના માલિક કાલ સોમાનીએ આશરે ₹15,000 થી ₹15,300 કરોડની જંગી રકમમાં ટીમનો 100% સ્ટેક પોતાના નામે કર્યો છે. આ મેગા ડીલની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય બેંક ‘રેઈન ગ્રુપ’ (Raine Group) ની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી છે.
ક્યારે બદલાશે કમાન?
મહત્વની વાત એ છે કે, આ ડીલ થઈ હોવા છતાં IPL 2026 માં ટીમનું સંચાલન મનોજ બદલેના હસ્તક જ રહેશે. નવા માલિક કાલ સોમાની પાસે ટીમના સંપૂર્ણ અધિકારો IPL 2027 થી આવશે. હાલમાં ટીમ રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ આગામી સિઝન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. જોકે, ફ્રેન્ચાઈઝી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
RCB નું વેલ્યુએશન પણ આસમાને: $2 બિલિયન ક્લબમાં થશે એન્ટ્રી?
રાજસ્થાન રોયલ્સની આ 1.63 બિલિયન ડોલરની ડીલ બાદ હવે અન્ય આઈપીએલ ટીમોના ભાવમાં પણ ધરખમ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની માર્કેટ વેલ્યુ હવે 2 બિલિયન ડોલરને પાર કરી શકે છે. યુનાઇટેડ સ્પિરિટ્સ આ રેસમાં મોખરે છે અને એવી શક્યતા છે કે IPL 2026 દરમિયાન આરસીબીની માલિકી હક્ક અંગે પણ કોઈ મોટો નિર્ણય લેવાય.
- Advertisement -
- Advertisement -