કુલદીપ યાદવે શરૂ કરી જીવનની નવી ઇનિંગ: બાળપણની મિત્ર વંશિકા સાથે મસૂરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. કુલદીપે પોતાની બાળપણની મિત્ર વંશિકા ચઢ્ઢા સાથે પહાડોની રાણી મસૂરીમાં સાત ફેરા લીધા હતા. લગ્નના બે દિવસ બાદ કુલદીપે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપ્યા છે.
કુલદીપે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા ભાવુક કેપ્શન લખ્યું કે, “હંમેશા માટે સાથે રહેવાની સફર હવે શરૂ થઈ ગઈ છે.”
દિગ્ગજ ક્રિકેટરોની હાજરીમાં જામ્યો લગ્નનો રંગ
શનિવારે મસૂરીના એક આલીશાન રિસોર્ટમાં યોજાયેલા આ ખાનગી લગ્ન સમારોહમાં ક્રિકેટ જગતના દિગ્ગજો ઉમટી પડ્યા હતા. મોહમ્મદ કૈફ, યુઝવેન્દ્ર ચહલ અને સુરેશ રૈના જેવા સ્ટાર ખેલાડીઓએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. સંગીત સેરેમનીમાં ક્રિકેટરોએ ડાન્સ કરીને લગ્નનું વાતાવરણ ઉત્સવમય બનાવી દીધું હતું.
દેહરાદૂન એરપોર્ટ પર નવપરિણીત જોડાની ઝલક
લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ રવિવારે કુલદીપ યાદવ પત્ની વંશિકા અને તેની માતા સાથે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2026ની વિજેતા ટીમનો ભાગ રહેલા કુલદીપ માટે આ વર્ષ પ્રોફેશનલ અને પર્સનલ બંને રીતે શાનદાર રહ્યું છે. હવે તે ટૂંક સમયમાં જ IPL 2026 માટે દિલ્હી કેપિટલ્સની ટીમમાં જોડાશે, જેની પ્રથમ મેચ 28 માર્ચના રોજ રમાવાની છે.
કોણ છે કુલદીપની દુલ્હન વંશિકા ચઢ્ઢા?
-
વતન: વંશિકા કાનપુરના શ્યામનગર વિસ્તારની રહેવાસી છે. તેના પિતા યોગેન્દ્ર સિંહ ચઢ્ઢા LICમાં કાર્યરત છે.
-
અભ્યાસ: વંશિકાએ કાનપુરની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ અને પ્રોફેશનલ કરિયર માટે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ હતી.
-
મિત્રતા: કુલદીપ અને વંશિકા બાળપણના મિત્રો છે. ગયા વર્ષે 4 જૂન, 2025ના રોજ લખનૌમાં બંનેની સગાઈ થઈ હતી.
- Advertisement -
- Advertisement -