ઈરાનમાં આક્રંદ: 165 માસૂમ કળીઓ કચડાઈ, એકસાથે નીકળેલી 165 અર્થીઓએ પથ્થર દિલ માનવીને પણ રડાવ્યો
મિડિલ ઈસ્ટમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ આજે માનવતાને જ ભસ્મીભૂત કરી નાખી છે. ઈરાનના હોર્મોઝગાન પ્રાંતનું મિનાબ શહેર આજે સ્મશાનવત શાંતિ અને અસહ્ય ચીસોથી ગુંજી ઉઠ્યું છે. એક તરફ સત્તાનો જંગ છે..તો બીજી તરફ એ માસૂમ દીકરીઓનું લોહી છે જેમને હજુ ‘દુશ્મન’ શબ્દનો અર્થ પણ ખબર નહોતી…એકાએક થયેલા હવાઈ હુમલામાં 165 નિર્દોષ વિદ્યાર્થિનીઓના મોતની ખબરે આખા વિશ્વના કાળજા ચીરી નાખ્યા છે.
પુસ્તકો લોહીથી ખરડાયા, સપનાઓ રાખ થયા
28 ફેબ્રુઆરીનો એ દિવસ મિનાબ માટે ઇતિહાસનો સૌથી કાળો દિવસ બની રહેશે. સવારના સમયે જ્યારે આ માસૂમ દીકરીઓ હાથમાં રંગબેરંગી દફ્તર અને આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને શાળાએ પહોંચી હતી.. ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ તેમનો છેલ્લો દિવસ હશે.
ભીષણ વિસ્ફોટ સાથે શિક્ષણનું મંદિર ક્ષણભરમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું. જ્યાં કલરવ ગુંજતો હતો.. ત્યાં માત્ર કરુણ ચિત્કારો બાકી રહ્યા…બચાવ કામગીરી દરમિયાન જ્યારે કાટમાળ નીચેથી નાનકડા હાથ, લોહીથી ખરડાયેલી રિબન અને અધૂરા લખાયેલા પુસ્તકો મળ્યા..ત્યારે પથ્થર હૃદયના બચાવકર્મીઓ પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા.
કતારબદ્ધ 165 સફેદ તાબૂત: આખું શહેર હીબકે ચઢ્યું
આજે જ્યારે મિનાબની ગલીઓમાંથી એકસાથે 165 માસૂમ દીકરીઓના જનાજા નીકળ્યા, ત્યારે કુદરત પણ જાણે આંસુ સારી રહી હતી.સફેદ કફનમાં લપેટાયેલા એ નાનકડા દેહોને જોઈને આખું શહેર રસ્તા પર ઉતરી આવ્યું હતું.
-
માતા-પિતાનો વિલાપ: પોતાની લાડકી દીકરીના નિર્જીવ દેહને વળગીને કરુણ આક્રંદ કરતી માતાઓ અને પથ્થર બની ગયેલા પિતાઓની હાલત જોઈને આકાશ પણ ધ્રૂજી ઉઠ્યું.
-
ચોતરફ શોક: માસૂમોના માનમાં બજારો સજ્જડ બંધ રહ્યા. લોકોએ કાળી પટ્ટી બાંધીને મૌન વિરોધ કર્યો, પણ એ મૌનમાં હજારો સવાલો હતા.
સત્તાની લડાઈમાં હોમાતું નિર્દોષ બાળપણ
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવ અને વળતા હુમલાઓની આ આગમાં આખરે તો ‘માનવતા’ જ હારી રહી છે. આ 165 દીકરીઓ કોઈ પક્ષની નહોતી, તેઓ તો માત્ર રાષ્ટ્રનું ભવિષ્ય હતી. સોશિયલ મીડિયા પર આ સામૂહિક અંતિમ સંસ્કારના દ્રશ્યો જોઈને વિશ્વભરના લોકો પૂછી રહ્યા છે કે – “આ માસૂમોનો ગુનો શું હતો?”
- Advertisement -
- Advertisement -