બાંગ્લાદેશમાં ત્રણ દિવસનો શોક;ખાલિદા ઝિયાના પાર્થિવ શરીરને કાલે દફનાવવામાં આવશે
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વડા બેગમ ખાલિદા ઝિયાનું મંગળવારે ઢાકામાં 80 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું.તેમના નિધનથી દેશભરમાં શોક છવાઈ ગયો છે.બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેરાત કરી છે કે, ખાલિદા ઝિયાને બુધવારે તેમના પતિ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને BNP ના સ્થાપક ઝિયાઉર રહેમાનની બાજુમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે દફનાવવામાં આવશે.
ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે ત્રણ વખત સેવા આપી હતી. દેશના રાજકારણમાં તેમના અમૂલ્ય યોગદાનને માન્યતા આપવા માટે વચગાળાની સરકારે ત્રણ દિવસનો રાજ્યશોક અને એક દિવસની રજા જાહેર કરી.વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે આ જાહેરાત કરી હતી.તેમણે મંગળવારે કહ્યું કે, ખાલિદા ઝિયાના પાર્થિવ શરીરને બુધવારે દફનાવવામાં આવશે.તેમણે દેશભરમાં ત્રણ દિવસનો રાજ્ય શોક અને એક દિવસની રજાની પણ જાહેરાત કરી.
અંતિમ પ્રાર્થના અને દફનવિધિ
કાનૂની સલાહકાર આસિફ નઝરુલના જણાવ્યા અનુસાર ખાલિદા ઝિયાની અંતિમયાત્રા (નમાઝ-એ-જાનાઝા) બુધવારે ઝોહરની નમાઝ પછી સંસદ ભવનના સાઉથ પ્લાઝા અને માણિક મિયા એવન્યુ ખાતે યોજાશે.ત્યારબાદ તેમને ઢાકાના શેર-એ-બાંગ્લા નગરમાં ઝિયા ઉદ્યાનમાં તેમના પતિની કબરની બાજુમાં દફનાવવામાં આવશે.આ સંદર્ભમાં વચગાળાની સરકારની સલાહકાર પરિષદની એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર ખાસ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા.
ધ્વજ અડધી કાઠીએ લહેરાશે
શોક સમયગાળા દરમિયાન તમામ સરકારી, અર્ધ-સરકારી અને સ્વાયત્ત સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી ઇમારતો અને વિદેશમાં બાંગ્લાદેશ મિશન પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે.
ખાલિદા ઝિયાના માનમાં બુધવારે દેશભરની મસ્જિદોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવશે.અન્ય ધર્મોના પૂજા સ્થળોએ પણ પ્રાર્થના કરવામાં આવશે.આ ઉપરાંત, વિદેશમાં બાંગ્લાદેશી દૂતાવાસોમાં શોક પુસ્તકો ખોલવામાં આવશે.
- Advertisement -
- Advertisement -