પાટણ : સાંસદ ગેનીબેન ઠાકોરે સામાજિક કામમાં આર્થિક કે અન્ય પ્રકારની મદદ નહીં કરનારા સમાજના લોકોને લુખ્ખા કહ્યાં…
પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું આજે સિંધવાઇ માતાના મંદિર ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ..સાથો સાથ ઠાકોર સમાજના સંત સદારામ બાપાના નામે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલનું પણ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંમેલનમા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી હતી.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેને સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન સમાજના શિક્ષણ કામમાં તેમજ સામાજિક કામમાં કોઈપણ જાતની આર્થિક કે અન્ય પ્રકારની મદદ નહીં કરનારા સમાજના લોકોને લુખ્ખા કહ્યા હતા.તેમણે કહ્યું હતું કે, સમાજના કાર્યક્રમોમાં દાન આપવાનો સમય આવે ત્યારે ખીસામાં વિંછી હોવાથી કેટલાક લોકો દાન આપતા નથી.આવા જ લોકો જ્યાં સારૂ કામ થતુ હોય ત્યાં દાનવોની જેમ હવનમાં હાડકા નાંખવા આવે છે.
ગેનીબેને વધુમાં કહ્યું કે, જેણે ક્યારેય એક રૂપિયાનું દાન આપ્યું ના હોય તેવા લોકો સારા કાર્યોમાં હિસાબ માંગવા આવી જતા હોય છે.જેથી સમાજમાં જ્યાં પણ સારૂ કામ થતું હોય ત્યાંથી લુખ્ખાઓને દૂર રાખો.જે લોકો ઓછુ દાન આપે છે એ લોકોને હિસાબ આપજો કારણ કે તેને એમ થશે કે મેં જે યોગદાન આપ્યું તેનો હિસાબ મને મળ્યો છે.લુખ્ખાઓને કાર્યક્રમમા સ્ટેજ પર સ્થાન નહીં આપો તો સમાજને પણ ખોટુ નહીં લાગે.
તેમણે સમાજના નામે ચૂંટણીની ટીકિટ માંગનારાઓને કહ્યું કે, મારો સમાજ મોટો છે જેથી મને ટીકિટ મળવી જોઈએ.પણ એ લોકો પાંચ વર્ષ ધારાસભ્ય,સાંસદ, જિલ્લા, તાલુકા કે નગર પંચાયતના પ્રમુખ બન્યા આ દરમિયાન તેમણે સમાજ માટે શું કર્યું તેનો હવે હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. આગેવાનો પાસે સમાજે હિસાબ માંગવાનો સમય આવી ગયો છે.
- Advertisement -
- Advertisement -