અમેરિકામાં ટ્રમ્પ સરકાર સતત સરકારી ખર્ચ ઘટાડવાના પ્રયાસોમાં લાગ્યું છે..સંઘીય સરકારમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. હજારો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી રહ્યા છે. US સરકાર ટેક્સ કલેક્શન વિભાગ IRS માં મોટા પાયે છટણી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર IRS વિભાગમાં સાત હજાર કર્મચારીઓની છટણી થવાની તૈયારીઓ કરાઇ છે.
પ્રોબેશનરી કર્મચારીઓને છૂટા કરાશે
છટણીમાં પ્રોબેશનરી કર્મચારીઓને દૂર કરવાની તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેઓ પાલન કાર્યમાં સામેલ છે. પાલન કાર્યમાં કરદાતાઓ ટેક્સ કોડનું પાલન કરે છે અને તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે તેની ખાતરી કરવાનો સમાવેશ થાય છે. છટણીમાં, એવા પ્રોબેશનરી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે જેઓ એક વર્ષ કે તેથી ઓછા સમયથી નોકરી પર છે. આ છટણી એલોન મસ્કના નેતૃત્વ હેઠળના સરકારી કાર્યક્ષમતા વિભાગના સૂચન પર કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ વર્ષે છટણીથી કર વસૂલાત પર કેટલી અસર પડશે.
લગભગ 90,000 કર્મચારીઓ IRS માં કામ કરે છે
ટ્રમ્પ વહીવટીતંત્રે એવા સમયે છટણી કરવાનો નિર્ણય લીધો છે જ્યારે અગાઉના બિડેન વહીવટીતંત્રે IRS ને શ્રીમંત લોકો પાસેથી વધુ કર વસૂલવાની જવાબદારી સોંપી હતી જેથી આવક વધી શકે. અમેરિકા પર લગભગ 36 ટ્રિલિયન ડોલરનું દેવું છે. વર્ષ 2024 ના અંત સુધીમાં IRSએ શ્રીમંત કરદાતાઓ પાસેથી વધારાના $1.3 બિલિયન કર વસૂલ્યા છે.નોંધનીય છે કે,, IRSમાં કર્મચારીઓની સંખ્યા લગભગ 90 હજાર છે.જેમાં 65 ટકા મહિલા કર્મચારીઓ છે. IRS માં કર્મચારીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ વહીવટીતંત્રે તેમને હોમલેન્ડ સિક્યુરિટીની સાથે ગેરકાયદે ઇમિગ્રેશનની સમસ્યાનો સામનો કરવા માટે તૈનાત કર્યા છે. આ દિવસોમાં અમેરિકામાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવામાં આવી રહ્યા છે.

