જાપાન એર લાઈન્સ પર સાયબર એટેક થયો હતો. સાયબર હુમલાખોરોના આ કૃત્યને કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને અસર થઈ છે. જણાવવામાં આવ્યું કે, હાલ માટે ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સાયબર હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 8.56 વાગ્યે થયો હતો. જેના કારણે એરલાઇન્સની આખી સિસ્ટમ પડી ભાંગી હતી
એરલાઇનના પ્રવક્તાએ સાયબર એટેકની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે,, સિસ્ટમને સુધારવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છે. જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન છે.
એરલાઇન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમને સાયબર એટેકની જાણ થઈ છે. અમે સિસ્ટમને ઠીક કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. અમે પુનઃપ્રાપ્તિની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. હાલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને અસર થઈ રહી છે. આ અસુવિધા માટે અમે દિલગીર છીએ. જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર એટેકના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હોવાના અહેવાલ છે. આ સંખ્યા હજુ વધી શકે છે.

