મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ (12578) તમિલનાડુના કાવરાપેટ્ટાઈ સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ, ટ્રેન મૈસૂરથી પેરમ્બુર થઈને બિહારના દરભંગા જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન તિરુવલ્લુર નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલવે અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની ટીમોને પણ અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે.
ટ્રેન દુર્ઘટના અંગે વધુ વિગતો આપતા, દક્ષિણ રેલવેએ જણાવ્યું હતું કે, “મૈસૂરથી દરભંગા જતી ટ્રેન નંબર 12578 (MYS-DBG) ના છ ડબ્બા લગભગ 20.30 વાગ્યે માલસામાન ટ્રેન સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગયા હતા. કોઈ જાનહાનિના સમાચાર નથી. કેટલાક લોકો ઘાયલ થયા છે. ચેન્નાઈ સેન્ટ્રલથી મેડિકલ રિલીફ વેન અને બચાવ ટીમ રવાના થઈ ગઈ છે.

