સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વિદેશ જવાની મંજૂરી આપી છે. જો કે, આ માટે કોર્ટે રૂપિયા 10 લાખની જામીન રકમ જમા કરાવવાની શરત પણ રાખી છે.
આ ઉપરાંત, કોર્ટે તેમને તેમની મુસાફરીની વિગતો સાથે બાંયધરી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. સેતલવાડે જાતિવાદ વિરોધી પરિષદમાં ભાગ લેવા વિદેશ જવાની પરવાનગી માંગી હતી.
સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલામાં સુનાવણી દરમિયાન તેમને વિદેશ જવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે,, કોન્ફરન્સ પુરી થયા બાદ તેઓએ તેમના પાસપોર્ટ પાછો આપવા પડશે.
સેતલવાડ ફોજદારી કેસમાં જામીન પર છે
સેતલવાડ વર્ષ 2002ના ગુજરાત રમખાણોને સંભાળવા અંગે ગુજરાત રાજ્ય અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના ષડયંત્રના આરોપો સંબંધિત ફોજદારી કેસમાં જામીન પર છે.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવીને જુલાઈ 2023માં તેમની જામીન અરજી મંજૂર કરી હતી. તે સમયે, સર્વોચ્ચ અદાલતે સેતલવાડને જામીનની શરત તરીકે પાસપોર્ટ સરેન્ડર કરવા પણ કહ્યું હતું.
મલેશિયા જવા માટે જામીનની શરતમાં છૂટછાટ માંગી
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠને તેમના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તિસ્તા સેતલવાડ 31 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી મલેશિયાની રાજધાની કુઆલાલંપુર જવા માટે જામીનની શરતમાંથી મુક્તિની માંગ કરી હતી.

