ઝારખંડમાં ફરી એકવાર નેતૃત્વ પરિવર્તન થયું છે. તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલા હેમંત સોરેને ગુરુવારે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પહેલા બુધવારે ચંપાઈ સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, ચંપાઈ સોરેને વિધાયક દળના નેતા અને રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.આ પછી હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
હેમંત સોરેને લગભગ પાંચ મહિના બાદ ઝારખંડની સત્તા સંભાળી છે. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું..
હેમંત સોરેન અને તેમની રાજકીય સફર..
કોણ છે હેમંત સોરેન?
ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. તેઓ રાજ્યના ત્રણ વખતના સીએમ શિબુ સોરેનના પુત્ર છે. જો આપણે હેમંત સોરેનના પ્રારંભિક જીવન પર નજર કરીએ તો, તેમનો જન્મ 10 ઓગસ્ટ 1975ના રોજ શિબુ સોરેન અને રૂપી સોરેનના ઘરે થયો હતો. હેમંતે 1990માં પટનાની એમજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. આ પછી તેણે 1994માં પટના હાઈસ્કૂલમાંથી ઈન્ટરમીડિયેટનો અભ્યાસ પૂરો કર્યો. તેણે BIT (મેસરા), રાંચીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું પરંતુ કેટલાક કારણોસર તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો નહીં. અભ્યાસ બાદ હેમંતે એન્જિનિયરિંગ ફર્મમાં કામ કર્યું. હેમંતના લગ્ન કલ્પના સોરેન સાથે થયા છે અને તેમને બે પુત્રો છે.

