લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 197 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતા RRના કેપ્ટન સંજુ સેમસને અડધી સદી રમી હતી, પરંતુ 16મી ઇનિંગ્સમાં સેમસને મોટો શોટ રમવાના પ્રયાસમાં બેટ ગુમાવી દીધું હતું. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે અને મોટા ભાગના પ્રસંગોની જેમ આ વખતે પણ મોટી ઘટના ટળી છે. આ મેચમાં સંજુ સેમસને 33 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી અને ધ્રુવ જુરેલ સાથે 121 રનની ભાગીદારી કરીને આરઆરને 3 વિકેટે જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સંજુ સેમસનના હાથમાંથી બેટ સરકી ગયું.
આ ઘટના રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની 16મી ઓવરમાં બની હતી. રવિ બિશ્નોઈ બોલિંગ કરી રહ્યો હતો અને સેમસને મોટો શોટ મારવાના પ્રયાસમાં બેટને જોરથી સ્વિંગ કર્યું. પરંતુ લાંબી ઈનિંગ્સ રમવાને કારણે તેના પરસેવાથી લથબથ હાથમાંથી બેટ સરકીને તેની પાછળ પડી ગયું. સારી વાત છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હાથમાંથી બેટ પડી જવાને કારણે સેમસનને બેટ વગર જ દોડવું પડ્યું હતું. અમિત મિશ્રાએ સેમસનનું બેટ ઉપાડ્યું અને જ્યારે ધ્રુવ જુરેલ સેમસનનું બેટ લેવા તેની પાસે પહોંચ્યો ત્યારે અમિત મિશ્રા પણ બેટ સાથે રમુજી અંદાજમાં રમતા જોવા મળ્યા હતા.
સંજુ સેમસન ઓરેન્જ કેપની નજીક
RR કેપ્ટન સંજુ સેમસન IPL 2024માં શાનદાર ફોર્મમાં છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં તેણે 9 મેચમાં 77ની એવરેજથી 385 રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી પછી બીજા ક્રમે આવી ગયો છે. વિરાટે અત્યાર સુધી 9 મેચમાં 430 રન બનાવ્યા છે. સેમસનની વાત કરીએ તો તે સિઝનમાં 161થી વધુના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો છે અને તેણે 4 અડધી સદીની ઈનિંગ્સ પણ રમી છે.

