ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઇન્ટ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન હિંમતનગરથી આવતી એક લકઝરી બસમાં બેઠેલા યૂપીના 25 વર્ષીય યુવક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે SOG દ્વારા ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન હિંમતનગરથી અમદાવાદ તરફ આવતી એક ખાનગી લક્ઝરી બસને રોકી તેમાં તપાસ કરવામાં આવી હતી. બસમાં બેઠેલા મુસાફરોની તલાશી દરમિયાન એક યુવકની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ હતી. આથી પોલીસે તેની તપાસ કરતા યુવક પાસેથી દેશી બનાવટની મશીન કટ પિસ્તોલ મળી આવી હતી.
પિસ્તોલ, મોબાઇલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસે યુવકની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શ્યામશંકર ચંન્દ્રપ્રકાશ શર્મા (ઉં.વ. 25) હોવાનું જણાવ્યું હતું. યુવકે પોલીસને વધુમાં જણાવ્યું કે, તે મૂળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના સામરેમઉ ગામનો રહેવાસી છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ શ્યામશંકરની ધરપકડ કરી પિસ્તોલ, મોબાઇલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

