ઉનાળાની આકરી ગરમીનો સામનો છેલ્લા કેટલાક સમયથી લોકો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ 44.4 ડીગ્રી ગરમીનો પારો નોંધાયો છે. અન્ય શહેરોમાં પણ પારો ઉંચકાયો છે.
ખાસ કરીને આગામી 2 દિવસ વધુ આકરી ગરમી પડવાની આગાહી અન્ય જિલ્લા અને શહેરોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 44.4 ડીગ્રી સાથે રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. જો કે, આગામી બે દિવસમાં ગરમીનો પારો 44થી 45 ડીગ્રી રહેવાની શક્યતા છે.
બીજી તરફ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ગરમીના કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વિવિધ નગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. લોકોને કામ સિવાય બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. તેમાં પણ બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે પ્રકારની સાવચેતીની સલાહ પણ આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગે હજુ 2 દિવસ સુધી તીવ્ર ગરમીને લઈને આગાહી કરી છે જેથી અગનગોળા જેવો અહેસાસ વધુ બે દિવસ લોકોને થશે. અમદાવાદમાં 44.4 ડીગ્રી ઉપરાંત અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો આસપાસ જોવા મળ્યો હતો. અમરેલી અને વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સતત વધી રહેલી ગરમીના કારણે જનજીવન પર નકારાત્મક અસર પડી રહી છે.
લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત આખું શરીર ઢંકાયે તે પ્રકારે ફૂલ સ્લીવ સહીતના કપડા સનસ્ટ્રોકથી બચવા માટે પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે છાસ, પુષ્કળ લીંબુ પાણી સહીતના પ્રવાહી પીવા પણ જરુરી છે.

