કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ બહુમતીની ખૂબ નજીક છે. કોંગ્રેસ 118 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 80 સીટો આસપાર છે. 10 મેના રોજ રાજ્યની 224 બેઠકો પર 73.19 ટકા મતદાન નોંધાયું હતું. છેલ્લા 38 વર્ષ દરમિયાન રાજ્યમાં સત્તા પરિવર્તનનો ઈતિહાસ રહ્યો છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જનતા દળ સેક્યુલરને 37 બેઠકો મળી હતી.
જો કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળે છે તો આવતીકાલે જ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો બહુમતી નહીં મળે તો કોંગ્રેસના વિજેતા ધારાસભ્યોને બેંગલુરુ શિફ્ટ કરવામાં આવી શકે છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ હવે 118 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 80 સીટો પર આગળ છે. જેડીએસ હવે 29 સીટો પર આગળ છે. રાજ્યમાં બહુમતી માટે 113ની જરુર છે.
કર્ણાટકમાં મતગણતરી ચાલી રહી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ તેમના મતવિસ્તાર શિગગાંવમાં આગળ છે. શનિવારે શરૂ થયેલી મત ગણતરીના પ્રારંભિક વલણ પરથી આ વાત સામે આવી છે.
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટર, જેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા તેઓ તેમની હુબલી-મધ્ય ધારવાડ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. આ મતવિસ્તારના છ વખતના ધારાસભ્ય શેટ્ટરે આરોપ લગાવ્યો છે કે ભાજપ તેમને હરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને ભાજપ પાર્ટીનો એજન્ડા સીટ જીતવાનો નથી પરંતુ તેમને હરાવવાનો છે. જો કે કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદી અથનીથી આગળ છે. તેઓ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગડગ વિધાનસભા બેઠક પર પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એચ.કે. પાટીલ તેમની પરંપરાગત બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

