ગાંધીનગરમાં બાઇક ચોરી મામલે ચીલોડા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ સાથે દહેગામથી બે મોટરસાઇકલ તેમ જ પાલજથી એક મોબાઇલની ચોરીના ગુનોનો ભેદ પણ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ મામલે પોલીસે ઝડપાયેલા શખ્સ સામે ચોરી સહિતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના આલમપુર ગામ તરફ જતાં રોડ પર આવેલા મોટી શીહોલી ગામમાં રહેતો રમેશ ઠાકોર ચોરીનું બાઇક લઈને ફરી રહ્યો હોવાની બાતમી ચીલોડા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. આથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રમેશ ઠાકોરની તેના ઘરેથી ધરપકડ કરી હતી. રમેશ ઠાકોર પાસેથી પોલીસે બે બાઇક અને એક મોબાઇલ કબજે કર્યા હતા. પૂછપરછમાં આરોપી રમેશે કબુલ્યું હતું કે, તેણે દહેગામ ઔડા ગાર્ડન ખાતેથી એક બાઇક અને 10 દિવસ અગાઉ દહેગામ નહેરુ ચોકડી પાસેથી બીજું બાઇક ચોર્યું હતું.
કુલ 35 હજારનો મુદામાલ જપ્ત
સાથે તેને કબૂલ્યું કે, પાલજમાં રૂપાલ વરદાયીની માતાના મંદીર પાસે ખોડિયાર માતાના મંદીરે જાતર જોવાથી લોકોની ભીડમાં તક જોઈ એક મોબાઇલની પણ ચોરી કરી હતી. આ મામલે પોલીસે રમેશ ઠાકોર વિરુદ્ધ ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી કુલ 35 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

