રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે હવે વધુ એક બનાવ સુરતના કોસાડ ગામમાં બન્યો છે. પુત્રની છઠ્ઠીના પ્રસંગે નાચતાં-નાચતાં પિતાનું મોત નીપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાથી મૃતકના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
મળતી માહિતી મુજબ, સુરતના કોસાડ ગામમાં રહેતા કિરણ ઠાકુરના ઘરે નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરિવારજનોની સાથે ગામના લોકો અને સગા-સંબંધીઓ પણ આ પ્રસંગની ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા હતા. દીકરાના જન્મની ખુશીમાં કિરણ ઠાકુર પણ સગા-સંબંધીઓ સાથે મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ, અચાનક નાચતાં-નાચતાં કિરણ ઠાકુર બેભાન થઈ ગયા હતા.
પીએમ રિપોર્ટ પછી જ મોતનું સાચું કારણ સામે આવશે
આથી ત્યાં હાજર લોકો તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ દુ:ખુદ ઘટનાના કારણે કિરણભાઈના પરિવારમાં ગમગીની છવાઈ છે. ખુશીમાં ઓતપ્રોત પરિવાર પર અચાનક દુ:ખના વાદળ છવાયા છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ ગમગીની છવાઈ છે. દીકરાના જન્મની ખુશીમાં દુ:ખ વ્યાપી ગયું છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીએમ રિપોર્ટ પછી જ યુવાનની મોતનું સાચું કારણ સામે આવી શકે છે.

