વડોદરામાં પત્નીને પીયરેથી 10 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા તબીબ પતિ અને સાસુ-સસરા સામે પરિણીતાએ બપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરી પીયરે મોકલી હતી અને માથાનું સિંદૂર ભૂસી પતિએ કહ્યું હતું કે, હવે તું મારી પત્ની નથી. મારી સાથે રહેવું હોય તો દહેજ પેટે 10 લાખ રૂપિયા લઈ આવજે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મીડિયા અહેવાલ મુજબ, 31 વર્ષીય યુવતી આણંદ સ્થિત કોલેજમાં અભ્યાસ કરે છે અને વડોદરામાં રહે છે. પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2015માં તેના પ્રેમલગ્ન વ્યવસાયે તબીબ આનંદ વ્રજલાલ નાગર (રહે. વડોદરા) સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ સાસુ-સસરાની ચડામણીથી પતિનું વર્તન બદલાઈ ગયું હતું. સાસુ-સસરા નવું દવાખાનું ખોલવા માટે પરિણીતાને પીયરેથી રૂ.10 લાખ લાવવા માટે દબાણ કરતા હતા અને તેના પતિને પણ ઉશ્કેરતા હતા.
ઝઘડો થતા પતિ પત્નીને પીયરે મૂકી આવ્યો
રિપોર્ટ મુજબ, પરિણીતાએ જણાવ્યું કે તેનો પતિ નાની-નાની વાતમાં તેની સાથે મારઝૂડ કરતો હતો અને એક વખત કોઈ બાબતે ઝઘડો કરી પરિણીતાના કપડાં બેગમાં ભરી પીયરે મૂકી આવ્યો હતો અને તે દરમિયાન પરિણીતાના માથાનું સિંદૂર ભૂસીને કહ્યું હતું કે, હવે તું મારી પત્ની નથી, તારે મારા ઘરે રહેવા આવવું હોય તો દહેજ પેટે રૂ.10 લાખ લઈને આવજે. આ મામલે પરિણીતાએ પતિ આંનદ નાગર, સસરા વ્રજલાલ નાગર અને સાસુ જયશ્રીબેન નાગર સામે બપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

