જુનાગઢમાં માતા-પિતા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં, કેશોદના ખીરસરા ગામમાં બાળકે રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીધી હતી. આથી બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, જુનાગઢના કેશોદના ખીરસરા ગામમાં આયતબા અહમદ નામનું બાળક તેના મામાના ઘરે આવ્યું હતું. દરમિયાન રમતા રમતા તેને ભૂલથી ઝેરી દવા પીધી હતી. દવા પીધા પછી બાળકને ઉલટી થવા લાગી હતી અને તે બેભાન થયું હતું. આથી પરિવારજનો બાળકને નજીકની હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરાઈ હતી. આથી પોલીસ ટીમનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ આદરી હતી.
બાળકનો મૃતદેહ પીએમ અર્થે મોકલાયો
આ મામલે પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બાળકના આકસ્મિક મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે. ત્યારે બાળકોને એકલા રમતા મૂકી દેતા માતા-પિતા માટે પણ આ એક ચેતવણી સમાન ઘટના છે.

