ગેંગસ્ટર કેસમાં મોટી કાર્યવાહી કરતા NIAએ યુપી-પંજાબ-હરિયાણા-રાજસ્થાન સહિત દેશના ઘણા રાજ્યોમાં 72 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIA ગેંગસ્ટર-ટેરર ફંડિંગ-આર્મ્સ સપ્લાયર નેક્સસ કેસમાં દરોડા પાડી રહી છે. ગેંગસ્ટર સિન્ડિકેટ સામેની મોટી કાર્યવાહીમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે સવારે કેટલાક રાજ્યોમાં 70 થી વધુ સ્થળોએ સર્ચ શરૂ કર્યું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમાં પંજાબમાં 30થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ગેંગસ્ટરના ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી ચાલુ
NIA દ્વારા ગેંગસ્ટર અને તેમના ગુનાહિત સિન્ડિકેટ વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગેંગસ્ટર નેટવર્ક પર NIAનો આ ચોથો દરોડો છે. હાલમાં NIA અધિકારીઓ આ અંગે વિગતવાર માહિતી શેર કરી રહ્યા નથી. જણાવી દઈએ કે આ દરોડા પહેલા પણ NIA ગેંગસ્ટર સિન્ડિકેટ વિરુદ્ધ બે વખત કાર્યવાહી કરી ચૂકી છે. એનઆઈએ દેશમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરી સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ જ કારણ છે કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સિવાય એનઆઈએ આ વખતે યુપી અને મધ્યપ્રદેશમાં પણ પહોંચી છે. જ્યાંથી હથિયારો આગળ ગેંગસ્ટર્સ સુધી પહોંચે છે.
NIAએ પંજાબમાં કેનેડામાં બેસીને આતંક ફેલાવી રહેલા લખબીર લંડા અને ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી બ્રારના નજીકના સાથીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. થોડા દિવસો પહેલા NIA દ્વારા લખબીર લંડાને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને તેના નજીકના લોકો પર સતત નજર રાખવામાં આવી રહી હતી. જે બાદ NIAએ તરનતારન, ફિરોઝપુર અને માલવાના કેટલાક શહેરોમાં દરોડા પાડ્યા છે.

