ગુરુવારે સવારે રશિયાએ યૂક્રેનમાં તબાહી મચાવતા ચારેબાજુ ગભરાટ ફેલાઈ ગયો. એક ન્યૂઝ એજન્સી અનુસાર, રશિયાએ યૂક્રેનની રાજધાની કિવ પર 100થી વધુ મિસાઈલો છોડી. વિસ્ફોટકોનો અવાજ સાંભળીને લોકો ગમે ત્યાં દોડતા જોવા મળ્યા.રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે ફેસબુક પર હુમલાની માહિતી આપી હતી. યૂક્રેનના માયકોલાઈવ પ્રદેશના વડાએ પણ હવામાં રશિયન મિસાઈલોની જાણ કરી હતી.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, કિવ, ઝાયટોમીર અને ઓડેસામાં અનેક વિસ્ફોટો સંભળાયા. ઓડેસા અને ડીનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશોમાં પાવર કટની જાહેરાત કરવામાં આવી,જેનો ઉદ્દેશ્ય ઉર્જા માળખાને સંભવિત નુકસાન ઘટાડવાનો હતો.
રશિયાએ બુધવારે પણ 33 મિસાઇલો છોડી હતી
આ પહેલા, રશિયાએ બુધવારે પણ વહેલી સવારે 24 કલાકમાં ખેરસનમાં નાગરિક લક્ષ્યો પર બહુવિધ રોકેટ લોન્ચરથી 33 મિસાઇલો છોડી હતી. જોકે,રશિયાએ નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો હતો. યૂક્રેનિયન હસ્તકના બખ્મુત શહેરની આસપાસ પણ ભારે લડાઈ ચાલુ રહી.યૂક્રેનિયન સોશિયલ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે પડોશી બેલારુસમાં તૈનાત રશિયન જેટ તેના ઉપર ઉડાન ભર્યા પછી દેશવ્યાપી ચેતવણી જાહેર કરવામાં આવી શકે છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે લડાઈ ખાસ કરીને ડોનેતસ્ક પ્રાંતના વ્યૂહાત્મક પૂર્વીય શહેર બખ્મુત અને ઉત્તરમાં લુહાન્સ્ક પ્રાંતમાં સ્વ્યાટોવની આસપાસ તીવ્ર હતી.
આ પહેલા 16 ડિસેમ્બરે રશિયાએ 70 મિસાઈલ છોડીને યૂક્રેનના ત્રણ શહેરોને તબાહ કરી દીધા હતા. ક્રિવી રિહ રહેણાંક વિસ્તારમાં મિસાઇલ હુમલાથી એક રહેણાંક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે, ખેરસનમાં શેલિંગમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો.

